લખાણ પર જાઓ

હાથી

વિકિપીડિયામાંથી

Elephant
Temporal range: Pliocene–Recent
Asian Elephant.
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Subphylum: Vertebrata
Class: Mammalia
Order: Proboscidea
Family: Elephantidae
Gray, 1821
Subfamilia

હાથી એક મોટું સ્થૂળ શરીરનું સૂંઢવાળું પ્રાણી છે. તેને માતંગ; સારંગ; વારણ; હસ્તી; કરી ;દંતી; શુંડાલ; ગયંદ; કુંજર; ઇભ; સિંધુર; દ્વિરદ; વ્યાલ; કુંભી; દ્વિપ તરીકે પણ ઓળખવામાં આવે છે.


હાથીનું મૂળ સ્થાન એશિયા અને આફ્રિકા ખંડ છે. બધાં જાનવરોમાં હાથી આકારમાં મોટું છે. તેનું શરીર ગોળાકાર અને જાડું છે; છતાં તે બહુ ચપળ હોય છે. હાથી સ્વભાવે શાંત છે, તેની ઊંચાઈ ૧૦ થી ૧૨ ફૂટની હોય છે. તેનું મુખ્ય લક્ષણ તેની સૂંઢ છે. તે સ્નાયુમય માંસની લંબી નળી હોય છે અને તે મોઢા ઉપર ખાલી લટકતી હોય છે સૂંઢને તે જોઈએ તેવી રીતે વાળી કે લંબાવી શકે છે. તેની બોચી ટૂંકી, કાન સૂપડા સરખા, ડોળા ઘણા જનાના, દંતશૂળ મોટા, પગ મોટા થાંભલા જેવા, ચામડી ઘણી જાડી, પૂંછડી ટૂંકી અને બારીક તથા છેડે વાળના જથ્થા વાળી હોય છે. તેની ખોપરી બીજા પ્રાણીઓના પ્રમાણમાં ભારે હોત તો તે ઉપાડવી હાથીને પણ ભારે થઈ પડત; પરંતુ હાથીની ખોપરીનું હાડકું અદ્ભૂત રીતે હલકું છે, કેમકે તે હાડકું હવાના ગૃહોથી ભરપૂર છે. આ હવાના ગૃહથી ખોપીર હલકી રહે છે અને તેથી સૂંઢના સ્નાયુઓ વગેરે ભારે અવયવો તેને ઉપાડવા સરળ થઈ પડે છે. કલેસ રહિત અને ગર્વિષ્ઠ હાથણીમાં જુવાન હાથીથી, ગર્ભમાં કંઈ કલેશ ન થયો હોય તે મજબૂત હાથી ઉત્પન્ન થાય છે. આવો હાથી જિંદગી પર્યંત મદોક્તટ રહે છે. અને તેમાં એકે દોષ ઉત્પન્ન થતા નથી. માતા ક્ષીણ હોય અને હાથી પણ મદરહિત હોય તો તેનાથી ઉત્પન્ન થનેલો હાથી જિંદલગીમાં કદી મદને પ્રાપ્ત કરતો નથી. અને તે પ્રવૃત્તિમાં દુર્બળ રહે છે. હાથીની ગર્ભાવસ્થાની મુદત ૬૧૫ દિવસની ગણાય છે. હાથીનું આયુષ્ય સાધારણ રીતે ૧૦૧ વર્ષ ગણાય છે. હાથીના શરીરમાં (૧) સૂંઠમાં, (૨) વદનમાં, (૩) વિષાણમાં, (૪) મસ્તકમાં, (૫) નેત્રમાં, (૬) કાનમાં, (૭) કંઠમાં, (૮) ગાત્રમાં, (૯) ઉરસ્થળમાં (૧૦) રોષાંગમાં, (૧૧) કાંતિમાં અને (૧૨) સત્ત્વમાં, ક્ષેત્ર હોય છે. ભદ્ર હાથીનું આયુષ્ય ૧૨૦ વર્ષનું ગણાય છે. ઉપર કહેલાં બારે ક્ષેત્રો હોય તો તે હાથી પૂરું આયુષ્ય ભોગવે છે. પણ એમાંથી એકેય ક્ષેત્ર ઓછું હોય તો દશ વર્ષનું આયુષ્ય ઓછું થાય છે. બે ક્ષેત્ર ઓછાં હોય તો ૨૦ વર્ષનું આયુષ્ય ઓછું થાય છે. આ ઉપરથી હાથીના આયુષ્યનો આધાર તેમાં રહેલાં નક્ષત્ર ઉપર છે.

હાથીમાં ૧૧ ગુણ હોય છે. (૧) મધ જેવા દાંત, (૨) શ્યામ, (૩) મધના જેવી આંખો, (૪) પેટ પાંડુવર્ણ, (૫) મુખ કમળના જેવી કાંતિવાળું, (૬) વાળ ભમરા જેવા, (૭) ડોલર અને ચંદ્રમા જેવા નખ, (૮) લિંગ આંબાના પલ્લવ જેવું, (૯) શેષ અંગમાં જરા પીળો, (૧૦) સફેદ અને લાલ બિંદુથી વિચિત્રિત મુખ અને (૧૧) લાલાશ પડતા લમણાં. આવાં લક્ષણવાળો હાથીઓનો રાજા બને છે. એવા હાથીને મેળવીને રાજા સમુદ્રપર્યત ભૂમિનો ભોગ કરે છે. સૂંઢ, લમણા, વિષાણ, કર્ણષ નેત્ર, સ્નિગ્ધ હોય એવો પાંચ લક્ષણોવાળો હાથી ગજ કહેવાય છે. તે સુખને આપનારો છે. લાબાઈ, જાડાઈ, ઊંચાઈ, બલ, પરાક્રમ, કાંતિ, વીર્ય એ સાત લક્ષણયુક્ત હાથી `હસ્તી` કહેવાય છે. તે તેના માલિકના પ્રતાપને વધારનારો છે. ઉત્સાહ, વેગર, સાહ, મદ, સત્ત્વ, ગુરુત્વ, દક્ષતા, સૂંઢ અને દાંતના કર્મમાં કુશળતા એઠલાં લક્ષણવાળો હાથી કુંજર કહેવાય છે. બુદ્ધિ, મઘા, કુંભસ્થળ, દાંત, આંખ, હૃદય, રુંવાડાં, કાંતિ, પગ, આસન ( ગુદા ), પીઠ અને મદ એ બાર અવયવોયુક્ત હાથી નાગ જાતિના કહેવાય છે. અર્થાત્ એ બાર લક્ષણવાળો હાથી નાગહસ્તી કહેવાય છે. રથૈર્ય, ધૈર્ય, પટુત્વ, વિનીતતા, સુકર્મત્વ, પ્રયોજનાનુકૂળ જ્ઞાન, સુભગતા, અમૂઢતા, અભયત્વ અને ધીરતા આ ભદ્ર હાથીના ગુણ છે.

પ્રકાર

[ફેરફાર કરો]

હાથી આઠ જાતના હોય છે. આ આઠ જાત દિગ્ગજની છે. તેના વંશમાં ઉત્પન્ન થનેલા તે તે જાતિના કહેવાય છે.

૧. ઐરાવત: જે હાથીનું શરીર પાંડુર હોય, દાંત લાંબા અને ધોળા પુષ્પ જેવા હોય, રૂંવાડાં ન હોય, થોડા ખાનારા, બળયુક્ત, મોટા કદના, નાના પણ પુષ્પલિંગવાળા, લડાઈમાં ક્રોધયુક્ત, અન્ય સાથે શાંત, થોડું પાણી પીનારા, પુષ્કળ મદને ઝરનારા, પૂછડે નાના વાળાવાળા હોય તેવા હાથી ઐરાવત કુળના કહેવાય છે.

૨. પુંડરીક: જેનાં શરીર કોમળ હોય, લમણાં ખરસટ હોય, મદઝરતા હોય, નિરંતર ક્રોધમાં જ રહેતા, સર્વભક્ષી, બલયુક્ત, તીક્ષ્ણદાંતવાળા હાથી પુંડરિક કુળના કહેવાય છે.

૩. વામન : જેનાં શરીર ઠીંગણાં અને ખરસટ હોય, કોઇ વખતે જ મદ ઝરે, ખોરાકને લઈને જ બળયુક્ત રહે, બહુ જળ નહિ પીનારા, લમણામાં ઘણાં રૂંવાડાંવાળા, દાંત કદરૂપા,કરૂપડા હોય તથા કાન અને પૂંછડું ટૂંકાં હોય તે વામન વંશના સમજવા.

૪. કુમુદ: જેનાં શરીર લાંબાં, સૂંઢ લાંબી અને પાતળી, દાંત ખરાબ, શરીર મળથી ભરેલા, બુહ વિશાળ લમણાવાળા તથા કલ્હપ્રિય હોય તે હાથી કુમુદ વંશના કહેવાય છે.

૫. અંજન: જેનાં શરીર સ્નિગ્ધ હોય, જલની અભિલાષાવાળા, મોટા કદના દાંત તથા સૂંઢ પાતળી તથા નાની, શ્રમ વેઠી ન શકે તેવા હાથી અંજન વંશના કહેવાય છે.

૬. પુષ્પદંત: જે હાથી નિરંતર વીર્ય અને મદઝરતા હોય. અનૂપદેશમાં જેનું જોર ફાવે, જે મોટા વેગવાળા તથા ટૂંકા પૂંછડાવાળા હોય તેને પુષ્પદંત કુળના સમજવા.

૭. સાર્વભૌમ: લાંબા દાંતવાળા, ઘમં રૂંવાડાંવાળા ભટકવામાં થાકે નહિ, ખાનપાન વગેરેમાં અત્યંત આસક્ત નહિ એવા, મરુપ્રદેશમાં ફરનારા, મોટા શરીરવાળા, કર્કશ અંગવાળા, દાંત મૃદુ અને ધોળા, વિષ્ટમૂત્ર ઓછા કરતા હોય તેવા હાથી સર્વભૌમ કુળના કહેવાય છે.

૮. સુપ્રતીક: જેની સૂંઢ લાંબી, અવયવો પ્રમાણ:સર, મોટા વેગવાળા, ક્રોધથી ભરેલા, સારું ખાનારા, હાથણીઓના પ્રેમવાળા, પ્રવૃદ્ધ ગંડસ્થળવાળા હોય તેને સુપ્રતીક કહે છે.

આ આઠમાં સર્વભૌમ અને સુપ્રતીક હાથીમાંથી મોતી ઉત્પન્ન થાય છે.

બ્રાહ્મણ વગેરે ચાર વર્ણની પેઠે હાથીમાં પણ ચાર જાત છે: (૧) વિશાળ અંગવાળા, પવિત્ર અને થોડું ખાનારા બ્રાહ્મણ જાતિના છે. (૨) શૂરવીર, વિશાળ, બહુ ખાનારા અને ક્રોધયુક્ત તે ક્ષત્રિય જાતિના ગણાય છે. બાકીના અનુક્રમે વૈશ્ય અને શૂદ્ર જાતિના કહેવાય છે.

ગુણ પરથી જાતી

[ફેરફાર કરો]

બીજા વિભાગો હાથીના ગુણ પ્રમાણે પડે છે. ગુણ ઉપરથી હાથી બાર જાતના છે: તેમાંથી થોડાઓનાં લક્ષણ આ પ્રમાણે છે: ૧. રમ્ય પ્રમાણસર વિબાગયુક્ત અવયવવાળો, પુષ્ટ, સુંદરદંતવાળો, અતિમહાન, તેજસ્વી હાથી રમ્ય કહેવાય છે આ હાથી સંપત્તિ વધારનારો છે.
૨. ભીમ અંકુશના પ્રકારથી જે ડરતો નથી એ ભીમ કહેવાય છે. તે રાજાના સર્વ અર્થનો સાધક છે. ૩. ધ્વજ સૂંઢના અગ્રભાગથી પૂંછડા પર્યંત જેને રેખા હોય તેને ધ્વજ કહે છે. તે સામ્રાજ્ય અને પ્રાણને આપનારા છે. ૪. અધીર જેના લમણાં સરખાં પણ કર્કશ હોય તથા તેના ઉપર રૂંવાડાંવાળા ગુચ્છ હોય તે અધીર કહેવાય છે. તે રાજાઓનો નાશ કરનાર છે. ૫. વીર જેના પૃષ્ઠથી નાભિ સુધી રૂંવાડાંનું ગુચ્છ હોય, પુષ્ટ શરીરવાળો તથા બળવાન હોય તેને વીર કહે છે. તે રાજાઓને ઇષ્ટપ્રદ છે. ૬. શૂરમોટા કદનો પુષ્ટ અંગવાળો, સુંદર દાંત તથા લમણાવાળો, ખાતાં ખાતાં થાકી જાય તેવો હાથી શૂર કહેવય છે. તે લક્ષ્મીનો વર્ધક છે. ૭. અષ્ટમંગલ દાંત, પુચ્છ, રેખા અઆને નખ સ્વચ્છ શ્વેત હોય તે અષ્ટમંગળ કહેવાય છે. આ હાથી જેને હોય તે સર્વ પૃથ્વીનો માલિક થાય છે. ૮. સુનંદ ૯. સર્વતોભદ્ર ૧૦. સ્થિર ૧૧. ગંભીરવેદી ૧૨. વરારોહ

ઊંચાઈ પરથી જાતી

[ફેરફાર કરો]

આ સિવાય હાથીના બીજા ચાર પ્રકાર તેની ઊંચાઈ ઊપરથી પણ પડે છે: ૧. સંકીર્ણ જે હાથી છ હાથ ઊંચો હોય તે સંકીર્ણ જાતિનો કહેવાય છે. ૨. મંદ જે હાથી સાત હાથ ઊંચો હોય તે મંદ જાતિનો સમજવો. ૩. મૃગ જે હાથી આટ હાથ ઊંચો હોય તે મૃગ જાતિનો કહેવાય છે. ૪. ભદ્રજાતિ નવ હાથ ઊંચો હાથી ભદ્રજાતિનો હાથી કહેવાય છે. એ ભદ્રજાતિનો હાથી સર્વ જાતિઓના હાથીમાં ઉત્તમ જાતિનો હાથી કહેવાય છે.

અકબર મુજબ હાથીના વર્ગો

[ફેરફાર કરો]

શહેનશાહ અકબરે હાથીના સાત વર્ગ પાડ્યા હતા. ૧. ભર જુવાનીમાં આવેલ પ્રથમ દરજ્જાના હાથીને મસ્ત કહે છે.
૨. સિંહ, વાઘ વગેરેની સાથે લડાઈમાં ઊતરનાર હાથીને શેરગીર કહે છે.
૩. ભરજુવાનીમાં આવેલો પણ સાવીર વગેરેના ઉપયોગમાં લઇ શકાય એવો સરલ સ્વભાવનો હાથી સાદો હાથી કહેવાય છે.
૪. મધ્યમ કદના હાથીને મંઝોલા નામ આપેલ છે.
૫. મંઝોલથી નાની ઉંમરના અને ઓછા કદના હાથીને ખડા કહે છે.
૬. ખડાથી પણ નાની ઉંમર અને કદના હાથીને બંદરકિયા કહે છે.
૭. હાથીનાં નાનાં બચ્ચાંને મોકલ કહે છે. તેના ઉપર સવારી કરવામાં આવતી નથી.

હાથીનાં સાજ

[ફેરફાર કરો]

(૧) ધરણા-સાઠ લંબગોળ કડીવાળી સાંકળ. દરેક કડીનું વજન ત્રણ શરે હોય છે. સાંકળનો એક છેડો જમીનમાં થાંભલો નાખી તે સાથે બાંધવામાં આવે છે અને બીજો છેડો હાથીના પાછલા ડાબા પગે બંધાય છે. આ સાંકળ લોઢાની તેમ જ સોનાની બને છે.
(૨) અંદૂ-હાથીના આગલા બે પગે બાંધવાની સાંકળ.
(૩) બેડી-હાથીના પાછલા બે પગે બાંધવાની સાંકળ.
(૪) બલંદ-હાથીના પાછલા બે પગે બાંધવાની બેડી. એ બાંધવાથી હાથી ચાલી શકે પણ દોડી શકે નહિ.
(૫) ગઢબેડી-આ બેડી અંદૂનાં જેવી, પણ તેથી વધારે મજબૂત હોય છે. તે મસ્ત અને તોફાની હાથીને નાખવામાં આવે છે.
(૬) લોહ લંગર-લાંબી સાંકળ. તેનો એક છેડો હાથીના જમણા આગલા પગે બાંધવામાં આવે છે અને બીજો છેડો ખૂંટા સાથે બાંધવામાં આવે છે અને બીજો છેડો બંટા સાથે બાંધવામાં આવે છે. હાથી મસ્તીમાં આવે ત્યારે આ લંગર તેને લગાડવામાં આવે છે.
(૭) ચરખી-તે પોલા વાંસની બનાવવામાં આવે છે. તેમં દારૂ ભરાય છે. વચ્ચે એક કાણું રાખવામાં આવે છે. તે સળગાવવાથી ચક્કર ચક્કર ફરે છે. હાથી તોફાને ચડ્યો હોય ત્યરે ચરખી સળગાવીને તેની આગળ ધરવાથી તે શાંત પડી જાય છે.
(૮) અંધિયારી-તે દોઢ વાર ઓરસ ચોરસ કંતાનનો કટકો હોય છે. હાથી મસ્તી કરે ત્યારે તે તેના મોઢા આગળ ઢાંકવામાં આવે છે. તેને ત્રણ ટોકરી બાંધવામાં આવે છે.
(૯) કલાવા- એ ઘણાં દોરડાંને એકત્ર ગૂંથીને બનાવાય છે. તે દોઢ વાર લાંબો હોય છે. હાથીની ગરદન આસપાસ બાંધવામાં તે આવે છે. તેમાં મહાવત પગ રાખીને બેસે છે.
(૧૦) કનાર-અંકુશ: લોઢાની આ આંકડી કલાવામાં અથવા મસ્તી કરે ત્યારે તેના કાન પાછળ ભોંકવામાં આવે છે.
(૧૧) દોર-આ જાડું દોરડું હાથીની પૂંછડીથી ગળા સુધી બાંદવામાં આવે છે.
(૧૨) ગદેલા-ગાદી. એ હાથીની પીઠ ઉપર નાકવામાં આવે છે. જેથી તેની પીઠ છોલાય નહિ.
(૧૩) પીછવા-દોરડાનો પટ્ટો. હાથીની જાંઘ ઉપર બાંધવામાં આવે છે. ભોઇ લોકો તે ઉપર ઊભા રહી ગોળી ફેંકે છે.
(૧૪) ચૌરાસી-બનાતના આ પટ્ટા ઉપર ટોકરીઓ સીવેલી હોય છે. તે હાથીના ગળામાં અને પીઠ પાછળ શોભાને માટે બાંધવામાં આવે છે.
(૧૫) પીઠ કચ્છ-હાથીની બંને છેડે એક ઘંટ બાંધેલો હોય છે.
(૧૬) પાખર-પોલાદનું બખતર. તે હાથીના આખા શરીરને ઢાંકે છે. માથા અને સૂંઢને માટે જુદા કટકા હોય છે.
(૧૭) ગજઝંપ-ત્રણ પરદાવાળી ઝૂલ. તે પાખર ઉપર ઢાંકવામાં આવે છે. તેને છેડે શોભાને માટે કિનારી સીવેલી હોય છે.
(૧૮) મેઘાડમ્બર-મહાવતનું ટાઢ તડકાથી રક્ષણ કરવા માટે છત્રના જેવું આ સાધન હાથી ઉપર નાખવામાં આવે છે.
(૧૯) રામપિયાલા-કિનખાબ અથવા મખમલનો સુશોભિત કટકો. તે હાથીના કપાળ ઉપર બાંધવામાં આવે છે.
(૨૦) પાયરેજન-હાથીને પગે બાંધવામાં આવતા ઘૂંઘરા
(૨૧) અંકુશ-લોઢાની અણીવાળી આંકડી. હાથી આંકવામાં તે તેના કાન નીચે ભોંકવામાં આવે છે. અકબરે તેનું નામ ગજબાધ એટલે હાથીની લગામ પાડેલું છે.
(૨૨) ગડુ-બે અણીદાર કાંટાવાળી આંકડી. હાથી મસ્તીમાં આવે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
(૨૩) બંગડી-લોઢા અથવા પિત્તળની ચપટી કડી. ��ે હાથીના દંતશૂળ ઉપર શોભા અને મજબૂતીને માટે પહેરાવવામાં આવે છે.
(૨૪) ઝંડા-વાવટો. તેને ફરતી ઘૂઘરીઓ બાંધેલી હોય છે. હાથીને બેસારવા, ઉઠાવા વગેરે બાબતમાં અમુક સાંકેતિક શબ્દો વાપરવામાં આવે છે.

સાંકેતિક શબ્દો

[ફેરફાર કરો]

હાથીને માટે કાંઇ બહુ ખાસ ચોક્કસ શબ્દો અગર વપરાતી ભાષાનો કાંઈ નિર્ણય નથી. તેમ જ હાથીના મહાવતો ઘણે ભાગે સાધારણ સ્થિતિના તથા અજ્ઞાન હોય છે. તેથી કરી તેઓ જે શબ્દોનો અપભ્રંશ કરીને કામ ચલાવે છે. તેમ જ વળી જ્યારે તે હાથી પોતાના સંપૂર્ણ અંકુશમાં આવે ત્યારે તે પોતાને જ કામ આપે તેવા પોતાના ખાનગી બનાવેલા શબ્દો વાપરે છે. તેથી વડોદરા, જૂનાગઢ, મલબાર જિલ્લો, ત્રિવાણકોર, મ્હૈસુર વગેરે તમામ દેશાવરોમાં અલગ અલગ વપરાતા શબ્દો જ્યારે હાથી વેચાય છે ત્યારે જેણે જે ભાષામાં કેળવણી આપી હોય તે `સાંકેતિક શબ્દ`તે મહાવતને જણાવે છે. મહાવત પણ આ શબ્દની ચકાસણી કરી લે છે અને બરાબર શબ્દ અનુભવી ખરીદે છે; પરંતુ પાછળથી કેટલાક શબ્દ અપભ્રંશ બોલે છે અને કેટલકા શબ્દો પોતાની અક્કલથી ગોઠવીને કામ લે છે. હાથીને માટે ઘણું કરીને આ શબ્દો વધુ વપરાય છે: બૈઠ-ભઇટ; બેસારવા માટેનો શબ્દ. મલ-ઉઠાડતી વખતે શબ્દ. સૂતેલ અથવા બેઠેલ હાથીને ઉઠાડવા વપરાય છે. તોલ-પાછળનો પગ ઊંચો કરાવવા વપરાતો શબ્દ. હલો-આગલો પગ ઊંચો કરાવવા માટે વપરાતો શબ્દ. તીરે-હાથીને સુવડાવવા માટે વપરાતો શબ્દ. દલે-હાથીને પાણી પાવા વપરાતો શબ્દ. ઝુક-આગળના બે પગથી ઝુકાવવાનો શબ્દ. અગત-હાથીને આગળ ચલાવવા માટે વપરાતો શબ્દ. તે સાથે પગનો ઇશારો પણ વપરાય છે. ચૈઈ-ડાબી કે જમણી બાજુ વળતી વખતે વપરાતો શબ્દ. ચૈ-પડખે ચાલ, બાજુમાં લેવા માટે વપરાતો શબ્દ. પીછે ધત-પાછળ હટાવવા માટે વપરાતો શબ્દ. ધર-હાથીને ખવરાવવા માટે વપરાતો શબ્દ. સમ-હાથીને સીધો ઊભો રાખવા માટે વપરાતો શબ્દ. લગૂત-હાથીને કોઇને મારવાનું કહેતાં વપરાતો શબ્દ. ભીરે-મારતો અટક; મારવા આવતો અટકાવવા વપરાતો શબ્દ. તાર-સલામ કર: હાથીને સાલમ કરાવવા માટે વપરાતો શબ્દ.

શણગારનાં તેમ જ અંકુશમાં રાખવા માટેના સાધનો

[ફેરફાર કરો]

હાથીના શણગારનાં તેમ જ તેને અંકુશમાં રાખવા માટે જુદાં જુદાં સાધન વપરાય છે અને તેમનાં ખાસ નામ હોય છે: કિલાબો-સૂતરના હારડાનું બનેલું દોરડું. તે હાથીના ગળામાં નાકીને તેની અંદર મહાવત બંને પગ રાખી, હાથીને અંકુશમાં રાખી પગથી ચલાવે છે. ઝૂલ-હાથીના ઉપર નાખવાનું ગજીનું અથવા ચોળિયાનું કપડું. નમદો-ઝૂલ નીચે નાખવામાં આવતું બનાતનું ગાદલું. આસનગાદી-મહાવતને હાથી ઉપર બેસાવની ઇલાયદી રૂની ગાદલી. જોઠો-હાથને બંને પડખે ચામડામાં બાંધીને લટકાવવામાં આવતા ટોકરા. પેટકશીનું નાડું-હાથીના પેટ ઉપર, ગળામાં અને પૂછડામાં થઈને બાંધવામાં આવતું નાડું. ઝેલો-ઘૂઘરમાળ:ગળામાં પહેરાવાની ષ્ટોરીઓ તથા ઘૂઘરીઓ. ચૂડ-હાથીના દંતશૂળમાં પહેરાવાતાં પિત્તળનાં બલોયાં. હાથીની સવારી વખતે સાજ સજાવવા માટે વપરાતાં સાધન: ગાદી-હોદ્દા નીચે નખાતી પરાળ ભરેલી ગાદલી. ઝૂલ-હાથી ઉપર નાખવાનું કસબી ભરેલ મખમલનું કપડું. હોદ્દો-હાથી ઉપર રાજાઓ વગેરેને બેસવા માટે બનાવેલી સોના કે રૂપાની બેઠક. આ બેઠકમાં માથે છત્રીવાળી માત્ર સોનાની બનાવટની બેઠક. લવનું નાડું-હોદ્દાને કસીને બાંધવાનું દોરડું. સારબંધ-ચાલુ સવારીમાં હોદ્દો કે અંબાડી એક તરફ નમી હોય ત્યારે તે સરખું કરવા માટે હોદ્દોકે અંબાડીની સાથે બાંધવામાં આવતું દોરડું. સ્તરી-શોભા માટે કપાળ ઉપર રાખવામાં આવતું ઝીક ભરેલ મખમલ. તેને મથરાવટી પણ કહે છે. કલગી-હાથીના માથા ઉપર શોભા માટે રખાતો રૂપાનો કે સોનાનો સાવજ કે મોર. હુલર-ચાંદીનાં પતરાં, ઘૂઘરા વગેરેનો બનાવેલો ગળામાં પહેરવાનો એક શણગાર. ડૂમચી-પૂંછડામાં પરોવીને હોદ્દા સાથે બાંધવામાં આવતું દોરડું. તેને ચાંદીની ખોળ ચડાવેલી હોય છે. તોડો-હાથીને પગે પહેરાવવાનું સોના કે ચાંદીનું સાંકળું. મવાલો-શોભા માટે દાંતમાં પહેરાવવાનો સોના કે ચાંદીનો ખોભળો; ચૂડી. લછો-ચાંદીની મોતી જેવી ગોળીઓ બનાવીને લાંબી હારમાં પરોવીને હાથીના કાન ઉપર લટકતો રાખવાનો એક શણગાર. હાથીને અંકુશમાં રાખવાનાં સાધન: આંકડ-લોખંડનું બનાવેલું ભાલા જેવું એક હથિયાર; અંકુશ. ગજબાગ-એક જાતનું મોટું અંકુશ. તે કડીવાળું હોય છે. પોંચી-હાથી તોફાન કરે ત્યારે જ પાછલા પગ ઉપર બાંધવામાં આવતું એક જાતનું લોખંડનું કાંટાવાળું હથિયાર. ભાલું-વાંસમાં લોખંડનું અણીવાળું ભાલું નાખીને બનાવેલું એક જાતનું અંકુશ. ચીમટો-હાથીના તોફાન વખતે હાથીના પગમાં ચડાવવામાં આવતું, લોખંડનું બનાવેલું એક હથિયાર; કાંટાવાળો ચીપીઓ. કંઠી-હાથી જ્યારે બહુ તોફાન કરતો હોય, ત્યારે લોખંડનું બનાવેલું ગોખરુ જેવા મોટા લોખંડના અણીદાર કાંટા બનાવેલા હોય છે. તે ગળામાં આવવાથી હાથી જમણી કે ડાબી બાજુ ગળું ફેરવી શકતો નથી કારણ કે તેને કાંટા વાગે છે અને તે સીધી નજર જ રાખી શકે છે. હાથીસાંકળ-હાથીને પાછલે પગે તથા આગલે પગે બાંધવામાં આવતી લોઢાની જાડી સાંકળ. બેડી-હાથીના આગલા બંને પગોમાં પહેરાવાતી લોઢાની સાંકળ. હાથીને ત્રણ ચાર કલાક કે વધુ વખત કોઇ વાર બહાર ઊભો રાખવો હોય, તો તેનો ઉપયોગ થાય છે. આ સાંકળ એટલે કે બેડી બાંધવાથી ઘોડાની ડામણ જેવું થઈ જાય છે. ફંદાબેડી-લોઢાની બનાવેલી એક જાતની જાડી અને મજબૂત સાંકળ. તેનો ઉપયોગ હાથીને બહારગામ લઈ જતાં કે લાવતાં હાથી ભાગી જઈ શકે નહિ એટલા માટે આગલા બંને પગોમાં આંટી નાખીને બાંધવામાં આવે છે. આ ફંદાબેડી હાથીને પગમાં બાંધવાથી હાથી એક પણ ડગલું ચાલી શકતો નથી. ડગબેડી-સાંકળ: હાથીને પગે બાંધવામાં આવતી સાંકળ. લંગર-સાંકળ: ડગબેડી. ગોખરુ-પોંચી હાથી તોફાન કરે ત્યારે વપરાતું હથિયાર. ઝૂડો-ટોકરો: હાથીને મળે બાંધવાનો ટોકરો.

સ્ત્રોત

[ફેરફાર કરો]
નવનીત લાડુમૉર,જ્ઞાનકોશ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Printed in France by the "Lamoureaux de Paris" and published for Magalhães e Moniz Editores in Portugal - 1890 (from the Dr. Nuno Carvalho de Sousa Private Collections - Lisbon)