લખાણ પર જાઓ

તાડકા

વિકિપીડિયામાંથી
તાડકા
તાડકા
રામ દ્વારા તાડકા વધ
માહિતી
જીવનસાથીસુંદા
બાળકોમરિચ, સુબાહુ

તાડકા અથવા તાટકા રામાયણનું એક પાત્ર છે. એ મૂળ તો એક યક્ષ રાજકુમારી હતી જે પાછળથી રાક્ષસી બની હતી. પુત્ર પ્રાપ્તિ માટે એના પિતા, યક્ષરાજ સુકેતુએ તપસ્યા કરી હતી. સુકેતુએ પુત્રની ઈચ્છા કરી હતી પણ બ્રહ્માએ તેમને શક્તિશાળી અને સુંદર કન્યા આપી. તે સુંદર રાજકુમારીના લગ્ન સુંદ નામના એક અસુર રાજા સાથે થયા. તેના થકી તેને બે પુત્રો મરિચ અને સુબાહુ જન્મ્યા.

જ્યારે અગસ્ત્ય ઋષિએ તાડકાના પતિ, અસુર સુંદને મૃત્યુનો શ્રાપ આપ્યો ત્યારે તાડકા તેના પુત્ર સુબાહુની સહાયતા વડે પ્રતિશોધ લેવાનો નિર્ણય કર્યો અને તોડ ફોડ શરૂ કરી. આને કારણે ઋષિ તે બંને પર ક્રોધિત થયા. ઋષિએ તે બંનેને શ્રાપ આપ્યો કે તેમના સુંદર રૂપનો નાશ થશે અને તેઓ કદરૂપી રાક્ષસી પ્રાણી જેવા દેખાશે. આ શાપના પ્રભાવથી તાડકા એક માનવ ભક્ષી કદરૂપી પ્રાણીમાં ફેરવાઈ ગઈ. શ્રાપ મળ્યા પછી તાડકા મલાજા ને કરુશ નજીક આવેલા જંગલમાં ગંગા અને શરયુ નદીના સંગમ પાસે રહેવા લાગી. આ જંગલ તાડકાના જંગલ તરીકે ઓળખાવા લાગ્યું. જે તે જંગલમાં જતું તેને તે ભસ્મ કરી દેતી. આથી લોકોમાં અત્યંત ભય ફેલાયો.

બદલો લેવા માટે તાડકા અને તેનો પુત્ર સુબાહુ ઋષિ મુનિઓને ત્રાસ દેવા લાગ્યા. જ્યાં પણ યજ્ઞ થતો હોય ત્યાં માંસ લોહી આદિ વર્ષાવતા. વિશ્વામિત્ર પણ તાડકાના ત્રાસવાદનો ભોગ બન્યા હતા. આ ત્રાસ અસહ્ય બનતાં વિશ્વામિત્રે કોશલના મહારાજા દશરથની સહાય માગી. રાજાએ તેમની સહાય માટે તેમના ૧૬ વર્ષના બે પુત્રો રામ અને લક્ષ્મણને યજ્ઞ તથા વિશ્વામિત્રના રક્ષણ માટે મોકલ્યા.

વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ તાડકાના જંગલમાં આવ્યા અને તેમણે રામને તાડકાનો વધ કરી તે જંગલને ત્રાસ મુક્ત કરવાની આજ્ઞા આપી. તાડકા સ્ત્રી હોવાથી તેનો વધ કરતા રામ પ્રથમ તો ખચકાયા. તેમણે તડકાના હાથ કાપી નાખ્યા જેથી તે કોઈને વધુ હાનિઓ ન પહોંચાડી શકે. પોતાની આસૂરી શક્તિઓ વાપરીને અદ્રશ્ય રૂપે તેણે હમલા ચાલુ રાખ્યા. વિશ્વામિત્રે રામને સલાહ આપી કે તેમણે પોતાના સ્ત્રી હત્યા ન કરવાના નિયમો કે આદર્શો થી ઉપર વટ જઈ પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. રામે તીર ચલાવી તાડકાના હૃદયને વીંધી નાખ્યું. તાડકા વધ થતાં રામને વિશ્વામિત્ર તથા યજ્ઞ શાળામાં આવેલા સર્વ ઋષિ મુનિઓએ આશીર્વાદ આપ્યા.

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]