લખાણ પર જાઓ

કાન્તિલાલ પંડ્યા

વિકિપીડિયામાંથી
કાન્તિલાલ પંડ્યા
જન્મનું નામ
કાન્તિલાલ છગનલાલ પંડ્યા
જન્મ(1886-08-24)August 24, 1886
નડિયાદ, ગુજરાત
મૃત્યુOctober 14, 1958(1958-10-14) (ઉંમર 72)
ખાર, મુંબઈ
વ્યવસાયસાહિત્યકાર, રસાયણશાસ્ત્રી
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોગલિયારા પુરસ્કાર (૧૯૩૫)
જીવનસાથી
ઉમંગલક્ષ્મી (લ. 1899)
સંબંધીઓગોવર્ધનરામ ત્રિપાઠી (મામા)

કાન્તિલાલ છગનલાલ પંડ્યા (૨૪ ઓગસ્ટ ૧૮૮૬ – ૧૪ ઓક્ટોબર ૧૯૫૮) ગુજરાતી સાહિત્યકાર અને રસાયણશાસ્ત્રી હતા. તેઓ ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીના ભાણેજ હતા. તેઓ ૧૯૨૪માં ભાવનગર ખાતે આયોજીત ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના વિજ્ઞાન-વિભાગના તેઓ પ્રમુખ હતા.[] ૧૯૩૪માં તેઓ ઇન્ડિયન ઍકેડમી ઑફ સાયન્સ (રસાયણશાસ્ત્ર વિભાગ)ના ફેલો તરીકે ચૂંટાયા હતા.[]

કાન્તિલાલ પંડ્યાનો જન્મ ૨૪ ઑગસ્ટ ૧૮૮૬ના રોજ નડિયાદ ખાતે થયો હતો. તેમના પિતા છગનલાલ હરિલાલ પંડ્યા હતા, જેમણે બાણભટ્ટ કૃત 'કાદંબરી'નું ભાષાંતર કર્યું હતું અને જેઓ જૂનાગઢ રાજ્યના નાયબ દીવાન હતા. કાન્તિલાલના માતા સમર્થલક્ષ્મી ગોવર્ધનરામ ત્રિપાઠીના નાનાં બહેન હતાં. કાન્તિલાલે ૧૮૯૬ સુધી પ્રાથમિક શિક્ષણ નડિયાદની સરકારી મિડલ સ્કૂલમાં લીધું હતું.[]

૧૮૯૯માં તેમનું લગ્ન તનસુખરામ ત્રિપાઠીના દીકરી ઉમંગલક્ષ્મી સાથે થયું. તેમણે ૧૯૦૨માં જૂનાગઢમાંથી મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશન પરીક્ષા ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ કરી. ૧૯૦૭માં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર વિષયો સાથે પાસ કરી. ૧૯૦૮માં તેમણે 'ગોવર્ધનરામ' નામનો ગુજરાતીમાં પ્રથમ લેખ લખ્યો. ૧૯૧૦માં તેઓ ત્રિભુવનદાસ ગજ્જરની પ્રયોગશાળા (મુંબઈ)માં અભ્યાસ કરી રસાયણશાસ્ત્ર વિષય સાથે એમ.એ. થયા અને એ જ વર્ષમાં તેમનું 'શ્રીયુત ગોવર્ધનરામ' નામનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું. ૧૯૧૧માં તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિસર્ચ), બેંગલોરમાં પહેલી બૅચમાં દાખલ થયા, જ્યાં તેમણે પ્રો. રૂડૉલ્ફ અને પ્રો. સડબરોના હાથ નીચે એપ્લાઇડ કેમિસ્ટ્રીમાં કામ કરવા ઉપરાંત કેમિકલ એન્જિનિયરિંગ તથા મશીન-ડ્રૉઇંગનો અભ્યાસ કર્યો. ૧૯૧૩ સુધી બેંગલોર રહી તે જ સાલમાં તેમણે આગ્રાની સેન્ટ જૉન કૉલેજમાં સાયણશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને ૧૯૧૬માં તે વિભાગના વડા તરીકે નિમાયા. ૧૯૧૫માં તેમણે પ્રથમ વિજ્ઞાનવિષયક લેખ લખ્યો.[]

તેઓ ૧૯૧૭-૧૯ દરમ્યાન વધુ સંસોધન માટે ફરી બૅંગલોર ગયા. ૧૯૨૦માં તેઓ ઇંગ્લેંડ ગયા, જ્યાં લંડન યુનિવર્સિટીની ઇમ્પીરિયલ કૉલેજ ઑફ સાયન્સ એન્ડ ટેક્નૉલોજીની રસાયણવિભાગની પ્રયોગશાળામાં પ્રો. સર જોસેલિન થોર્પના માર્ગદર્શન હેઠળ તેમણે સંશોધન શરૂ કર્યું. ૧૯૨૧માં તેમણે અનુસ્નાતક ડિપ્લોમા મેળવ્યો. તે જ વર્ષમાં મૉન્ટ્રિયલ ખાતે ભરાયેલી કેમિકલ સોસાયટીની કોન્ફરન્સમાં તેઓ એકમાત્ર ભારતીય પ્રતિનિધિ તરીકે ગયા. તેમના સંશોધનના માટે ૧૯૨૩માં તેમને લંડન યુનિવર્સિટીની પીએચ.ડીની પદવી એનાયત કરવામાં આવી. નાગર જ્ઞાતિમાં આ પદવી પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ હતા. તે જ વર્ષમાં ઇંગ્લેંડથી પાછા ફરતાં તેમણે ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની અને ઇટાલીની મુલાકાત લીધી હતી.[]

૧૯૨૪માં તેઓ ફરી સેન્ટ જૉન કૉલેજ, આગ્રામાં જોડાયા. ૧૯૨૪માં ભાવનગર ખાતે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ, જ્યાં તેમણે 'ગુજરાતમાં વિજ્ઞાનનું સાહિત્ય' એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું અને વૈજ્ઞાનિક શબ્દકોશ તૈયાર કરવાના યોજના રજૂ કરી. ૧૯૩૫માં જયકૃષ્ણ ઇન્દ્રજી સાથે તેમણે 'ગલિયારા પુરસ્કાર' પ્રાપ્ત કર્યો હતો.[]

૧૯૪૭માં કૉલેજમાંથી નિવૃત્ત થયા બાદ માનાર્હ પ્રાધ્યાપક તરીકે આગ્રામાં જ રહ્યા. તેમના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી ૭૨ વિદ્યાર્થીઓએ એમ.એસસી.ની અને ૫ વિદ્યાર્થીઓએ પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી હતી. તેમના સંશોધનકાર્યમાં રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બનિક બેઝિક પદાર્થોનો સંસર્ગ પદાર્થ તરીકે ઉપયોગ અને તેથી અસંતૃપ્ત ઍસિડ બનાવવાની સુગમ્ય રીતો તથા કેટલાક કૌમારિન પદાર્થોનું સંશ્લેષણ તેમજ કેટલાંક ભારતીય ફળોમાં રહેલા કાર્બનિક ઍસિડના પ્રમાણનું અન્વેષણ મુખ્ય છે. આલ્ડિહાઇડનું સંઘનન અને અન્ય સંશોધન કાર્ય અંગેના તેમના ૬૦ જેટલા સંશોધનલેખો પ્રકાશિત થયા હતા. તેમના પુસ્તકોમાં 'શ્રીયુત ગોવર્ધનરામ' (૧૯૧૦), 'આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ' (૧૯૩૨) 'આપણો આહાર' (૧૯૩૭), 'ચંદ્રશંકરનાં કાવ્યો' (સંકલન, ૧૯૪૨), 'વિજ્ઞાનમંદિર' ભાગ ૧-૨ (૧૯૫૦-૧૯૫૪), 'ગોવર્ધનરામનું સાલવારી જીવન અને સમકાલીન જીવન' (૧૯૫૭), ગોવર્ધનરામની સ્ક્રૅપબુકનું સંપાદન (૧૯૫૮) તથા 'મારો સંક્ષિપ્ત જીવનવૃત્તાંત' (૧૯૫૮) વગેરેનો સમાવેશ થાય છે.[]

૧૯૫૧માં તેઓ કૅન્સરના દર્દી તરીકે મુંબઈ આવ્યા અને ૧૯૫૨થી ત્યાંજ સ્થાયી થયા. ૧૪મી ઑક્ટોબરે ૧૯૫૮ના રોજ રાત્રે ખાર, મુંબઈ ખાતે તેઓ અવસાન પામ્યા.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ પંડ્યા, ઉપેન્દ્ર છ.; તલાટી, જ. દા. (૧૯૯૯). "પંડ્યા, કાન્તિલાલ છગનલાલ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૧. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૦૦–૧૦૧. OCLC 313489194.CS1 maint: multiple names: authors list (link)
  2. "Fellow Profile". Indian Academy of Sciences.

પૂરક વાચન

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]