કચ્છનો કાર્તિકેય/રાજ્યભિષેક અને કૃતજ્ઞતા
← ભીષણયુદ્ધ અની વિજયલાભ | કચ્છનો કાર્તિકેય રાજ્યભિષેક અને કૃતજ્ઞતા વિશનજી ચતુર્ભુજ ઠક્કુર ૧૯૨૨ |
ઉપસંહાર → |
લાખિર વિયરામાં આવીને પ્રથમ તો ખેંગારજીએ પોતાના પરલોકવાસી પિતા જામ હમ્મીરજી તથા પોતાની સતી થયેલી માતાઓનાં સમાધિમંદિરો તેમના નામનું સ્મરણ રાખવામાટે અને પોતાના પૂજ્યભાવને વ્યક્ત કરવામાટે બંધાવ્યાં અને ત્યાર પછી ત્યાં છ માસે રાજ્યાભિષેકમહોત્સવ કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો. રાજયાભિષેકમહોત્સવને છ માસ પછી ઊજવવાની વ્યવસ્થા એટલામાટે કરવામાં આવી હતી કે તેટલા કાલાવધિમાં ખેંગારજી તથા સાયબજીપર તેમના સંકટકાળમાં જે જે મનુષ્યોએ ઉપકાર કર્યા હતા તે સર્વને તેમનાં દૂરના નિવાસસ્થાનોમાંથી બોલાવી શકાય અને કૃતજ્ઞતા શી વસ્તુ છે તેનો તેમને સાક્ષાત્કાર કરાવી શકાય. અર્થાત્ અહમ્મદાબાદના સુલ્તાન બેગડા તથા કમાબાઈપર આમંત્રણપત્રિકાઓ મોકલી આપવામાં આવી; તેમ જ ભીંયા કક્કલ, ગોરજી માણેકમેરજી, જે બાઈએ જમાડીને કૃષ્ણ અશ્વ આપ્યો હતો તે બાઈ અને તેના પરિવાર, ધ્રાંગધરાના વ્યાપારી કે જેણે થોડા પૈસા આપ્યા હતા, જાલિમસિંહ અને તેનો પરિવાર તથા તેની પ્રજા અને અહમ્મદાબાદની સતી વૈશ્યવનિતા માધુરી તથા તેના પતિ ઇત્યાદિને આગ્રહપૂર્વક લઈ આવવામાટે દૂતોને રવાના કરવામાં આવ્યા અને લાખિર વિયરામાં રાજ્યાભિષેકમહોત્સવની ધીમે ધીમે પ્રચંડ તૈયારીઓ ચાલવા લાગી. છચ્છર તથા શિવજી લુહાણો તો રાવ ખેંગારજીની સાથે જ હતા એટલે તેમને આમંત્રણ આપવાની આવશ્યકતા નહોતી.
અસ્તુઃ કચ્છની પ્રજાનો તો ખેંગારજીમાં પ્રથમથી જ પૂર્ણ ભક્તિભાવ તથા સ્નેહ હતો એટલે પ્રજામાં તેના આગમનથી કોઈ પણ પ્રકારનો અસંતોષ ન હોવાથી ઊતાવળથી કાઈ પણ પ્રકારની વિશિષ્ટ વ્યવસ્થા કરવાની અગત્ય નહોતી એટલે લાખિર વિયરામાં લગભગ એક માસ જેટલો કાળ વિશ્રાંતિમાં વિતાડી દીધા પછી નિરુદ્યોગી જીવનનો ખેંગારજી તથા સાયબજીને કંટાળો આવવા લાગ્યો અને તેથી તેઓ પોતાના પાંચસો અંગરક્ષકોના સૈન્યને તેમ જ છચ્છર, રણમલ્લ તથા શિવજી આદિને પોતા સાથે રાખીને સમસ્ત કચ્છદેશમાં ભ્રમણ કરવામાટે નીકળ્યા; કારણ કે, રાજ્યાભિષેકના પ્રસંગને પાંચ માસનો વિલંબ હતો અને 'ત્યાર પહેલાં તો આપણે પાછા લાખિર વિયરામાં આવી પહોંચીશું,' એવી તેમની માન્યતા હતી. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પ્રજાએ તેમનો દેવ પ્રમાણે સત્કાર કર્યો અને કચ્છની પ્રજાની અપૂર્વ અલૌકિક તથા પ્રચંડ રાજભકિતને જોઇને ખેંગારજીના આનંદનો અવધિ થયો. એ ભ્રમણમાં કેટલાક લૂટારાનો નાશ કરીને તેમના ત્રાસથી પ્રજાને મુકત કરી તથા પ્રજાના અનન્ત આશીર્વાદોને મેળવીને ખેંગારજી તથા સાયબજી ત્રણ માસ પછી પાછા પોતાની રાજધાનીમાં નિર્વિઘ્ન આવી પહોંચ્યા.
એ વેળાયે આમંત્રેલાં કેટલાંક સન્માન્ય અતિથિઓ લાખિર વિયરામાં આવી પહોંચ્યાં હતાં અને અન્ય અતિથિઓ પણ સત્વર આવી પહોંચે, તેવો સંભવ હતો. અતિથિઓના સત્કાર માટેની સર્વ પ્રકારની ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી; માત્ર એટલું જ નહિ, પણ ખેંગારજી તથા સાયબજી પોતે પણ તેમની નિત્ય સાર સંભાળ લીધા કરતા હતા. અંતે સર્વે અતિથિઓ આવી લાગ્યાં અને રાજ્યાભિષેકનો માંગલિક દિવસ પણ આવી લાગ્યો. માત્ર સુલ્તાન બેગડો અને તેની બેગમ કમાબાઈ આવ્યાં નહોતાં, પરંતુ તેમણે શુભ સંદેશ તથા ખિલત સહિત પોતાના પ્રતિનિધિને મોકલ્યો હતો; કારણ કે, સુલ્તાનની વૃદ્ધાવસ્થા થયેલી હોવાથી અને તેની પ્રકૃતિ કાંઈક મંદ રહેતી હોવાથી તેનાથી આવી શકાય તેમ નહોતું અને સુલ્તાનને એવી અવસ્થામાં મૂકીને કમાબાઈથી પણ ન આવી શકાય એ સ્વાભાવિક જ હતું. ખેંગારજીનો સર્વથી કનિષ્ઠ બંધુ રાયબજી પણ મોશાળથી આવી પહોંચ્યો હતો અને તેને જોઇને ખેંગારજી તથા સાયબજીને એક પ્રકારનો અપૂર્વ આનન્દ થવા લાગ્યો હતો.
આજના રાજ્યાભિષેકમહોત્સવની સભાનો ઠાઠમાઠ કાંઈક જૂદા જ પ્રકારનો હતો. નગરમાં સર્વત્ર આમ્રપત્રનાં તોરણો બાંધી દેવામાં આવ્યાં હતાં; પ્રજાજનો મંગલસૂચક લાલ, લીલા, પીળા, ગુલાબી તથા જાંબલી રંગની પાઘડીઓ બાંધીને સભામાં બેઠા હતા; રાજમહાલયમાં સ્ત્રીઓ એકત્ર થઇને માંગલિક ગીતો ગાતી હતી; નિમંત્રિત અતિથિઓ, રાજપ્રતિનિધિ, રાજ કર્મચારી અને ખેંગારજીનાં કેટલાક એકનિષ્ઠ સેવકો સભામાં પોતપોતાનાં આસનોપર વિરાજ્યા હતા. ભાટ, ચારણ, કવિજન તથા વિદ્વાનોની પણ એ સભામાં વિપુલતા હતી અને વારાંગનાનો પણ અભાવ નહોતો. નોબત તથા શરણાઈઓ વાગતી હતી અને સર્વત્ર કેવળ આનન્દ, હર્ષ તથા ઉત્સાહનો જ અધિકાર વ્યાપેલો દેખાતો હતો. ભારતવર્ષના લોકો રાજાને ઈશ્વરનો અંશ માનતા હોવાથી અને વિશ્વના અન્ય કોઈ પણ રાષ્ટ્રમાં રાજાની ઉત્કૃષ્ટતા વિશે એટલી ઉન્નત ભાવના અસ્તિત્વ ધરાવતી ન હોવાથી રાજનિષ્ઠા કિંવા રાજભક્તિના વિષયમાં ભારતવર્ષના લોકોની સમાનતા અન્ય કોઈ પણ દેશના લોકોથી કરી શકાય તેમ નથી, એ સત્ય તત્ત્વના રહસ્યનો કચ્છના પ્રજાજનોની રાજભક્તિથી આજે સંપૂર્ણ સ્ફોટ થતો હતો; કારણ કે, પોતાની એ રાજભક્તિને સંપૂર્ણ રૂપથી પ્રકટ કરવા માટે તેમણે 'આજે જો કોઈના ગૃહમાં કોઈનું મરણ થઈ જાય, તો પણ તે મરણની વાર્ત્તાનો પ્રકાશ ન કરવો અને રુદન કિંવા વિલાપના અમંગલ ધ્વનિથી આજના મંગલ પ્રસંગમાં બાધા ન કરવી' એવા પ્રકારનો કઠિન પ્રબંધ કરી દીધો હતો. આ કારણથી કોઈ પણ સ્થળે શોકની ઝાંખી છટા પણ ક્યાંય જોવામાં આવતી નહોતી. શુભ મુહુર્ત્ત તથા શુભ ઘટિકા થતાં જ ખેંગારજી સુલતાન બેગડાના આપેલાં વસ્ત્રો પરિધાન કરીને તથા કમ્મરે તલ્વાર લટકાવીને પોતાના બે બંધુઓ સહિત સભામાં આવ્ય�� અને તે વેળાયે જાણે શ્રીરામચન્દ્રજી સિંહાસને વિરાજવામાટે પોતાના લક્ષ્મણ તથા ભરત નામક બે બંધુઓ સહિત પધાર્યા હોયની ! એવો જ સર્વ સભાજનોને ભાસ થવા લાગ્યો. સાપરમાં જેવી રીતે સેંસે સિંધલે ઢાલનું છત્ર ધર્યું હતું તેવી રીતે અહીં પણ ધર્યું અને જમાડીને અશ્વ આપનારી બાઈ–ખેંગારજીએ જેને પોતાની ધર્મભગિની કરી હતી, તે બાઈપાર્વતીએ–ખેંગારજીના ભાલને તિલકમંડિત કર્યો; અહમ્મદાબાદની સતી માધુરીએ પોતાના ધર્મબંધુને માંગલિક પુષ્પમાળા પહેરાવી અને ત્યાર પછી ખેંગારજી સિંહાસનપર વિરાજ્યો. સાયબજી તેની જમણી બાજૂના આસનપર અને રાયબજી ડાબી બાજૂના આસનપર વિરાજીને સભાના આનન્દને વધારવા લાગ્યા. સાપર પ્રમાણે સર્વથી પ્રથમ મોકળસિંહ પખેજીએ કાળા ધાબળાનું નજરાણું કર્યું અને ત્યાર પછી સુલ્તાન બેગડાની મોકલેલી ખિલત ખેંગારજીને આપતાં સુલ્તાન બેગડાના પ્રતિનિધિએ સભામાં ગંભીર સ્વરથી ભાષણ કર્યુંં કે:—
“કચ્છદેશના અખંડપ્રૌઢપ્રતાપ અને ગોબ્રાહ્મણપ્રતિપાલ શ્રીમાન્ રાવશ્રી ખેંગારજી બહાદુર, તેમના રાજભક્ત અધિકારીઓ, રાજભક્ત નાગરિકો, રાજનિષ્ઠ પ્રજાજનો તથા માન્યવર અતિથિ મહાશયો અને મહાશયાઓ, અહમ્મદાબાદના નામદાર સુલ્તાન મહમૂદ બેગડા દરેક તવંગર કુટુંબોમાં વપરાતી અમારી પ્રખ્યાત શાસ્ત્રોક્ત
મકરધ્વજ યાકુતી.આ યાકુતીમાં સોનું, મોતી, ચાંદી જેવી કીમતી ચીજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલાં રાજા મહારાજાઓને આજ દવા આપીને વૈદ્યો તેમની પાસે સારી જાગીરો તથા મોટાં ઇનામ પ્રાપ્ત કરતા હતા આ દવા જેટલી કીંમતી છે તેટલી જ ગુણમાં ઉત્તમ છે. તેની ખાત્રી માટે આ યાકુતીમાં કેટલી ચીજો, કેટલા પ્રમાણમાં વાપરી છે તેનું માપ નીચે પ્રમાણે છે.
|
|
|
ઉપર મુજબ કીંમતી વસાણાઓનો આ યાકુતીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શક્તિ માટે તેમજ વીર્યની વૃદ્ધિ કરી કાયમની શક્તિ ટકાવી રાખનાર આ યાકુતીથી એક પણ દવા ચઢીઆતી નથી, નકલી યાકુતી વાપરી તથા વેદ્યો ડોક્ટરોની શક્તિની દવાથી કંટાળી ગયેલાઓને આ યાકુતી વાપરવા અમારી ખાસ ભલામણ છે. કિમ્મત ગો. ૪૦ ના રૂ. ૧૦-૦-૦. (વધુ વિગત માટે સુચીપત્ર મફત મગાવો.)
☞દરેક મોટા શહેરોમાં એજન્ટોની ખાસ જરૂર છે. માહીતી માટે એજન્સીના નિયમો મંગાવો, દરદીઓ માટે ખાસ સગવડ "ઊંઝા"માં રાખવામાં આવે છે, તેમજ પોતાના દરદ હકીકત લખવાથી દવા વી. પી. થી મોકલવામાં આવશે. દરેક જાતના રોગની સલાહ મફત.
તમામ જાતની દેશી દવાઓ મોટા જથામાં બનાવનાર તથા વેચનાર જુનું પ્રખ્યાત કારખાનું—
ઊંઝા !
(ગુજરાત)
પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ નં૦ ૨.
"તથાસ્તુ: તથાસ્તુ !” સર્વ સભાજનોએ એકત્ર ધ્વનિ કર્યો.
એ પછી ભાટ ચારણો તથા કવિજનોએ પોતપોતાની આશીર્વાદાત્મક નાનાવિધ કવિતાના રસનું રાજા તથા પ્રજાને પાન કરાવ્યું અને તેમના એ કાર્યની સમાપ્તિ થતાં વારાંગનાના નૃત્ય તથા ગાનનો આરંભ થયો. અંતે મહાપ્રતાપી રાવશ્રી ખેંગારજીએ પોતે તરુણ છતાં વૃદ્ધ સમાન ગંભીર મુદ્રા તથા ગંભીર વાણીથી સભાજનોને ઉદ્દેશીને બોલવા માંડ્યું કે:–
“મારા આમંત્રિત માન્યવર અતિથિજનો, મારા સ્વામિનિષ્ઠ કર્મચારીઓ, મારા રાજભક્ત પ્રજાજનો અને મારા ઉપકારકો, આજનો આ અત્યંત આનંદદાયક પ્રસંગ મને પ્રાપ્ત થયો છે, એ જો કે વસ્તુતઃ ઈશ્વરની કૃપાનું જ પરિણામ છે, છતાં ઈશ્વર અમુક કાર્યમાં અમુક વ્યક્તિઓને નિમિત્તરૂપે યોજતો હોવાથી તે નિમિત્તરૂ૫ વ્યક્તિઓનો પણ અત્યારે અંતઃકરણપૂર્વક ઉપકાર માનવો એ મારું સર્વથી પ્રથમ અને મુખ્ય કર્ત્તવ્ય છે. મારાપર મારા સંકટના સમયમાં જે જે મનુષ્યોએ ઉપકાર કર્યા છે, તેમાં સર્વથી અગ્રેસર મારા પિતાનો સ્વામિનિષ્ઠ સેવક છચ્છર બૂટો, મિયાણાકુલાવતંસ ભીંયો કક્ક્લ, લુહાણાજાતિરત્ન શિવજીભાઈ, પૂજ્ય ગોરજી માણેકમેરજી, મને અત્યારે રાજતિલક કરનારી આ મારી ધર્મભગિની પાર્વતીબાઈ, ધ્રાંગધરાના આ ઉદારાત્મા શેઠ, મારા શ્વસુર જાલિમસિંહજી તથા અહમ્મદાબાદના સુલ્તાન બહાદુર મહમૂદશાહ બેગડા છે, એ નવીનતાથી જણાવવાની આવશ્યકતા નથી; કારણ કે, એ સર્વ વ્યક્તિઓએ મારાપર કરેલા ઉપકારોની વાર્તા હવે સર્વના જાણવામાં આવી ગઈ છે અને તેથી તેમનું પિષ્ટપેષણ કરવું નિરર્થક છે. મારા એ ઉપકારકોના ઉ૫કારો વિષે કૃતજ્ઞતા દર્શાવીને તેમનું કાંઈક પણ યથાશક્તિ ગૌરવ કરવું, એ મારો ધર્મ હોવાથી અત્યારે તેમનું ગૌરવ કરવાની મેં ઈચ્છા કરી છે. અમારા સ્વામિનિષ્ઠ સેવક છચ્છર બૂટાને તેની સેવાના એક નામ માત્રના બદલા તરીકે હું સાત ગામ આપું છું કે જે વંશપરંપરા તેના ભોગવટાની જાગીર ગણાશે; મિયાણા ભીંયા કક્ક્લે મારા અને મારા બંધુના પ્રાણરક્ષણમાટે પોતાના સાત પુત્રોના પ્રાણુનું બલિદાન આપેલું હોવાથી તેને હું બાર ગામ તથા જામની અમારી જૂની પદવી આપું છું અને મારી એવી આજ્ઞા છે કે એના વંશજો કચ્છ દેશમાં ગમે તેવો અપરાધ કરે, તો પણ તેમને કાઠમાં પૂરવા નહિ અને મારી આ આજ્ઞાનું મારા વંશજોએ દૃઢતાથી પાલન કરવું; ગોરજી માણેકમેરજીને ઉપાધ્યાયની પદવી, મારા મહાલય જેવો એક મહાલય તથા બાર ગામ આપું છું તેમ જ તેમને મારી સભામાં ઉચ્ચ આસને વિરાજવાના અધિકાર સાથે તેમના યજમાન જૈન વાણીઆ તેમને અમુક લાગો આપતા રહે, એવી તેમને વ્યવસ્થા કરી આપું છું. સભામાં વિરાજવાનો તેમને અધિકાર મળવાથી સભામાં ઉઘાડે માથે ન બેસી શકાય એટલામાટે તેમના પ્રતાપથી અહમ્મદાબાદમાં મેં જે ક્રૂર સિંહનો સંહાર કર્યો હતો તેન��� ચિહ્ન તરીકે બે કાન તથા પૂછવાળી એક ટોપી તથા તેની ઉપર મુકુટ સમાન રાજચિહ્ન તરીકે મેં એક આભૂષણ બનાવરાવ્યું છે તે હું તેમને આપું છું અને તે અત્યારે જ મસ્તકપર ધારણ કરી લેવાની પ્રાર્થના કરું છું; શિવજી લુહાણો જામ રાવળનો રાજકર્મચારી હોવા છતાં કેવળ ધર્મ અને ન્યાયના વિચારથી તેણે બબ્બે વાર પોતાના જીવના જોખમે અમારા પ્રાણ બચાવ્યા છે અને તેના બદલામાં હું તેને ચાર ગામ તથા તેની આગળની નોકરી સાથે મારી સભામાં વિરાજવાનો અધિકાર આપું છું; જે બાઈએ કેવળ જન્મભૂમિનાં સંતાન તરીકે અપૂર્વ અનુકંપાથી માર્ગમાં અમારો સત્કાર કરી અમને જમાડીને અશ્વ આપ્યો હતો અને એક આર્ય અબળાના હૃદયની ઉદારતાનો અપૂર્વ પરિચય કરાવ્યો હતો તે બાઈ પાર્વતીને હું ધર્મભગિનીની પદવી તો આપી ચૂક્યો છું અને તે ઉપરાંત આજે કાપડા તરીકે આઠ ગામ આપું છું અને સાથે પ્રાર્થના કરું છું કે, એ બાઈ જો પોતાના પતિ તથા અન્ય પરિવાર સહિત આ મારા કચ્છ દેશમાં આવીને રહેશે, તો મારાપર તેનો અત્યંત ઉપકાર થશે; આ શેઠજીએ ધ્રાંગધરામાં અમને જમાડીને નાણાંની થોડીક રકમ આપી હતી, પણ તે સમયમાં એ થોડી રકમ ૫ણ લાખો રૂપિયા જેટલી હોવાથી હું તેના બદલામાં પચીસ હજાર કોરી આપું છું અને પોશાક આપું છું. હવે માત્ર બે પુરુષો જ એવા રહ્યા છે કે જેમના મારાપર મહાભારત ઉપકાર હોવા છતાં મારાથી તેમનો કાંઈ પણ સત્કાર કરી શકાય તેમ નથી. તેમાંના એક તો મારા શ્વસુર જાલિમસિહજી છે; અર્થાત્ તેમનો હું જમાઈ હોવાથી મારી પાસેથી તેમનાથી કાંઈ પણ બદલો લઈ શકાય તેમ નથી અને તેટલામાટે મારા વડિલ તરીકે તેમને માન આપીને જ હું સંતોષ માનું છું; બીજા મહાનુભાવ પુરુષ તે અહમ્મદાબાદના પ્રતાપી સુલ્તાન છે અને તેમને કાંઈ પણ આપવાની ચેષ્ટા કરવી તે તેમનું અપમાન કરવા સમાન હોવાથી માત્ર શર્કરાનો થાળ તેમના પ્રતિનિધિને આપીને સુલ્તાન આવી જ કૃપા મારાપર નિરંતર રાખતા રહે, એવો સંદેશ તેમને કહેવામાટેની મારી પ્રાર્થના છે. પ્રતિનિધિને પોતાને હું જે પોશાક તથા પારિતોષિક આપું છું તે તેઓ સ્વીકારશે અને જતી વેળાએ અમારાં પૂજ્ય બહેન કમાબાઈમાટે અમોએ જે વસ્ત્રાલંકાર કરાવી રાખ્યાં છે, તે તેઓ લઈ જશે, એવી હું આશા રાખું છું. છેવટે પરમકૃપાળુ પરમાત્માનાં ચરણોમાં મારી અનન્ય ભાવથી એટલી જ અભ્યર્થના છે કે, તે પરમાત્મા રાજદંડને ધારણ કરવાની મારા હસ્તમાં શક્તિ આપે; મને ન્યાય, ધર્મ તથા નિષ્પક્ષપાતતાથી રાજ્યને ચલાવવાની અને પ્રજાને પાળવાની સદ્દબુદ્ધિ આપે તથા કચ્છદેશમાં પ્રજાની રાજભક્તિ તથા રાજાની પ્રજાભક્તિ સાથે રાજા અને પ્રજાના પરસ્પર પ્રેમની નિરંતર વૃદ્ધિ થતી રહે.”
"ધન્ય, ધન્ય, ધર્માત્મા ભૂપાલ! ધન્ય છે આપને અને આપનાં ભાગ્યશાળી માતાપિતાને! પ્રજાને ભૂપાલ મળે, તો આવા જ મળજો.” સભાજનોએ ગદ્ગદિત થઈને પોતાના અંતરના ઉદ્ગાર કાઢી સંભળાવ્યા.
એ ઉપરાંત ખેંગારજીએ અજાજીનું પણ યોગ્ય ગૌરવ કર્યું; રણમલ્લ તથા તેના ભત્રીજાને યોગ્ય પારિતોષિક ઉપરાંત પોતાના અંગરક્ષકની પદવી આપીને સદાને માટે પોતાની નોકરીમાં રાખી લીધા અને અંતે ભાટ ચારણ, કવિ, તથા પંડિતોને દાન તથા પારિતોષિક આપવા પછી વારાંગના આદિ અન્યાન્ય કલાવત્ તેમ જ દીનજનોને પણ સંતોષ્યાં અને સમસ્ત કચ્છરાજ્યમાં શર્કરા વ્હેંચાવવાનો અને લાખિયાર વિયરામાંનાં સર્વ સ્ત્રી પુરુષોને સાયંકાળે જમાડવાનો પ્રબંધ કરવામાં આવ્યો. આ કૃતજ્ઞતાદર્શન વિધિની સમાપ્તિ થતાં ખેંગારજીએ જે સિંહચર્મ શિરોભૂષણ આપ્યું હતું તે શિરોભૂષણને પોતાના મસ્તકપર ધારણ કરીને ભવ્યાકૃતિ ભદ્રપુરુષ માણેકમેરજી પોતાના આસન પરથી ઉઠીને ઉભા થયા અને પોતાની ગંભીર, પ્રભાવશાલિની તથા મધુરવાણીથી રા ખેંગારજી ૧ લાને સંબોધીને કહેવા લાગ્યો કે:—
“હે કચ્છદેશના વીર ચૂડામણી રાજન્, ભારતીય ઇતિહાસ તથા પુરાણગ્રંથોમાં મહાદેવના પુત્ર અથવા રુદ્રકુમાર કાર્તિકેયના જન્મના ઉદ્દેશને દર્શાવનારી કથા એવી રીતે વર્ણવાયેલી છે કે તારકાસુર નામક દૈત્યે તપસ્યાના યોગે અમોઘ શક્તિ મેળવીને દેવોને દમવાના દારુણ કાર્યનો આરંભ કર્યો અને દેવોમાં તેને સંહારવા જેટલી શક્તિ ન હોવાથી દેવો 'ત્રાહિ ત્રાહિ' પોકારવા લાગ્યા એટલે તે અમોઘ શક્તિશાળી દૈત્યના સંહારમાટે દેવાધિદેવ મહાદેવને તે દૈત્યથી પણ અધિક બળસંપન્ન પુરુષને ઉત્પન્ન કરવાની આવશ્યક્તા જણાતાં તેમણે એક પુત્રને ઉત્પન્ન કરી ચન્દ્રમાની સ્ત્રી કૃત્તિકાના દુગ્ધથી તેનું પોષણ કરાવ્યું અને તેથી રુદ્રનો તે કુમાર કાર્તિકેય નામથી ઓળખાવા લાગ્યો. દેવોએ તેને પોતાના સેનાપતિ તરીકે સ્વીકાર્યો અને તેણે પોતાના પ્રચંડ બળ તથા અલૌકિક યુદ્ધકૌશલ્યથી તારકાસુરનો તેની દૈત્ય સેના સહિત વધ કરીને દેવોને તેના ત્રાસથી મુક્ત કર્યા અને દેવરાજ્યને સર્વથા નિર્ભય તથા સુરક્ષિત અવસ્થામાં લાવી મૂક્યું. કાર્તિકેય પ્રચંડબળશાળી તથા દેવોનો સેનાપતિ હોવાથી તેને સેનાપતિ, મહાસેન, સિદ્ધસેન, યુદ્ધરંગ તથા શક્તિધર આદિ નામોથી પણ ઓળખવામાં આવે છે તેમ જ તારકાસુરનો તેના હસ્તથી સહાર થયેલો હોવાથી તે તારકજિત્ નામથી પણ ઓળખાય છે. પુરાણોમાં કાર્તિકેયનાં છ મુખ, દ્વાદશભુજા તથા દ્વાદશનેત્રો વર્ણાવેલાં હોવાથી તેનાં ષડાનન, દ્વાદશકર તથા દ્વાદશાક્ષ આદિ નામો પણ જોવામાં આવે છે; પરંતુ મારી માન્યતા અનુસાર એ અલંકારિક વર્ણન હોવાથી એનો એટલો જ અર્થ સ્વીકારવાનો છે કે તેનામાં તારકાસુર સમાન છ દૈત્યોના બળ જેટલા બળનો સમાવેશ થયેલો હતો અને તેથી એક તારકાસુરને મારવો એ તો તેનામાટે એક સાધારણ કાર્ય હતું. બ્રહ્માની પુત્રી દેવસેના અથવા ષષ્ઠીદેવી સાથે કાર્તિકેયનો લગ્નસંબંધ થયો હતો. કાર્ત્તિકેયની આ કથાને આ પ્રસંગે વર્ણવવાનું કારણ એ છે કે કાર્તિકેયની એ જીવનકથા સાથે મને આપ શ્રીમાન્ની જીવનકથાનું એટલું અને એવું તો સામ્ય દેખાય છે કે તેના યોગે જાણે અત્યારે આ કચ્છદેશના સિંહાસનપર રુદ્રકુમાર કાર્તિકેય જ મનુષ્યના રૂપમાં વિરાજ્યા હોયની ! એવો જ મારાં નયનોને ભાસ થયા કરે છે; કારણ કે, કચ્છભૂમિમાં જે જામ રાવળરૂપ તારકાસુર ઉત્પન્ન થયો હતો તે એક વેળાયે અવશ્ય અક્ષમ્ય અને દારુણ અત્યાચાર કરશે ને કચ્છભૂમિની દેવસ્વભાવધારિણી પ્રજાને ઇન્દ્રરૂપ ભૂપાલથી વિહીન કરી ત્રાહિ ત્રાહિ પોકરાવશે એ ભાવિના ભેદને પરમાત્મા પ્રથમથી જ જાણતો હતો અને તે માનવજાતીય તારકાસુરના પરાજયમાટે આપ શ્રીમાન્ સમાન માનવજાતીય કાર્તિકેયની ઉત્પત્તિ કરીને પરમાત્માએ તેના પરાજયમાટે આપ શ્રીમાન્ને અકસ્માત્ અને વિલક્ષણ સંયોગોમાં નાનાવિધ બળોની પ્રાપ્તિ પણ કરાવી આપી હતી; અર્થાત્ આપ શ્રીમાન્ને યથાનુક્રમ દેવીના આશીર્વાદરૂ૫ બળ, પ્રજાપ્રીતિરૂપ બળ, આત્મવિશ્વાસરૂ૫ બળ, બાહુબળ, મિત્રસાહાય્યરૂપ બળ અને ધર્મ નીતિરૂપ બળ એવી રીતે છ બળોની પરમાત્માની કૃપાથી પ્રાપ્તિ થઈ હતી અને તે છ પ્રચંડ બળો જામ રાવળના એક માત્ર અધર્માત્મક અસિબળને નષ્ટ કરી નાંખવાનું સંપૂર્ણ સામર્થ્ય ધરાવતાં હોવાથી તેનો આપ શ્રીમાન્ના વરદ હસ્તથી પરાજય થતાં આજે આપશ્રીમાન્ના યશ:દુંદુભિનો નાદ સર્વત્ર પ્રસરી રહ્યો છે; માત્ર એટલું જ નહિ, પણ વિપત્તિની વેળામાં જ આપ શ્રીમાન્ને દેવસેનારૂપિણી નન્દકુમારી નામક ગૃહલક્ષ્મીની પણ પ્રાપ્તિ થયેલી છે અને બાલ્યકાળમાં આપશ્રીમાને ચન્દ્રપત્ની કૃત્તિકાની સંપૂર્ણ પ્રતિસ્પર્ધા કરી શકે તેવી ક્ષત્રિય કુલદીપિકા વીરમાતાના દુગ્ધનું પાન કરેલું છે એટલે માનવજાતિમાં આપ શ્રીમાન્ની યોગ્યતા કાર્તિકેય સમાન હોવાથી જેવી રીતે આપશ્��ીમાન્ને સુલ્તાન મહમૂદ બેગડાએ 'રા' પદવીથી વિભૂષિત કરેલા છે તેવી જ રીતે હું આપ શ્રીમાન્ને 'કચ્છનો કાર્તિકેય' એ નવીન અને અધિકયોગ્યતા સૂચક પદવી આપું છું અને સર્વે સભાસદોને કચ્છના કાર્તિકેયનો ગગનભેદક જયજયકાર કરવાની સૂચના કરું છું.”
યતિની આ સૂચનાને સર્વ સભાસદોએ “કચ્છના કાર્તિકેયનો સર્વ સમયમાં અને સર્વ સ્થાનમાં જયજયકાર થાઓ તથા એ શ્રીમાન્ ચિરાયુ પદને પ્રાપ્ત કરી પિતા પ્રમાણે પ્રજારૂ૫ પુત્ર પુત્રીનું પાલન કરતા રહો!” એ પ્રમાણેના ગગનભેદક જયજયકાર ધ્વનિથી વ્યવહારમાં યોજી બતાવી અને પોતાની આંતરિક રાજભક્તિ તથા હર્ષભાવનાનો સાક્ષાત્કાર કરાવી દીધો. અમોએ પણ આ કારણથી જ શ્રી ખેંગારજી ૧ લાને 'કચ્છનો કાર્તિકેય' કહીને ઓળખાવેલો છે.
રાજ્યાભિષેકમહોત્સવની આવી રીતે આનન્દમય સમાપ્તિ થતાં બીજા દિવસથી અન્ય સ્થળોમાંનાં આવેલાં અતિથિઓ અનુક્રમે પોતપોતાના સ્થાન પ્રતિ જવાને વિદાય થવા લાગ્યાં અને તેઓ માર્ગમાં ખેંગારજીની જ વાર્ત્તા કરતાં હોવાથી તથા પોતાનાં ગ્રામોમાં પણ તેમના વાર્ત્તાલાપનો એ જ વિષય હોવાથી અલ્પ કાળમાં જ રાવશ્રી ખેંગારજી ૧ લાની વીરતા, ઉદારતા, કૃતજ્ઞતા તથા ધર્મશીલતાના કીર્ત્તિકુસુમના સુગંધનો સર્વત્ર પ્રસાર થઈ ગયો અને દેશ કે પરદેશ જ્યાં જાઓ ત્યાં તેમની કીર્ત્તિ અને કીર્ત્તિનાં જ ગીતો કર્ણગોચર થવા લાગ્યાં.
રાવશ્રી ખેંગારજી ૧ લો પોતાની સદ્ગુણવતી રાણી નન્દકુમારીના સમાગમથી અત્યંત આનન્દમાં રહીને પોતાના બંધુ સાયબજી તથા રાયબજીની સહાયતાથી અને છચ્છર તથા શિવજી જેવા મિત્રતુલ્ય સેવકોના ઉપદેશથી અત્યંત ન્યાયશીલતા તથા સરળતાથી રાજ્યતંત્ર ચલાવવા લાગ્યો અને કચ્છની રાજભક્ત પ્રજા તેને ઈશ્વરનો અવતાર માનવા લાગી.
એ પછી કેટલોક કાળ જતાં રાવશ્રી ખેંગારજીએ ગોરજી માણેકમેરજીના સ્થાનકમાં અંબાજીની પ્રતિમાની સ્થાપના કરી અને ત્યાં તે નિત્ય પ્રભાતમાં અંબાજીનાં દર્શન કરવાને જતો હતો, એવો ઇતિહાસમાં ઉલ્લેખ મળી આવે છે અને તેની એ કૃતિ તેની ધર્મપ્રિયતાને સિદ્ધ કરી બતાવે છે. કહેવામાં આવે છે કે, માણેકમેરજીની આપેલી જે સાંગવડે રાવશ્રીએ અહમ્મદાબાદમાં સિંહનો સંહાર કર્યો હતો, તે સાંગને પણ અંબાજીની એ મૂર્તિ પાસે જ રાખવામાં આવી હતી અને તે વસ્તુ અંબાજીની જ હોવાથી અંબાજીની મૂર્ત્તિની પૂજા સાથે તે સાંગની પણ પૂજા થતી હતી. કેવળ વિજયાદશમીને દિવસે એ પૂજાનો વિધિ રાવશ્રીના પોતાના વરદ હસ્તથી થતો હતો.
જે જોશી રૂઘા તથા કાળાએ મોરબીના દરવાજા ઊઘાડી આપીને મોરબીનો અધિકાર રાવશ્રીને અપાવ્યો હતો, તેમને તેમની એ સેવાના બદલામાં મોરબી તાલુકાના અનુક્રમે ખાખરડું તથા કાળાસરી નામક ગામ અપાયાં હતાં. નરહરિ પંડ્યાએ તેમને રાજ્યપ્રાપ્તિનું ભવિષ્ય કહ્યું હતું તેથી રાવશ્રીએ તેને થોડોક ગ્રાસ અને અંજારમાં એક ફળિયાની જગ્યા આપી હતી. અર્થાત્ સંકટના સમયમાં પોતાપર અલ્પસ્વલ્પ ઉપકાર કરનારને પણ રા ખેંગાર પોતાની ઉન્નતિના સમયમાં ભૂલી ગયો નહોતો. માત્ર એટલું જ નહિ, પણ સુલ્તાન બેગડાનું લેણું ૫ણ રાવશ્રીએ યથાસમય વાળી દીધું હતું.
કેટલોક સમય વીત્યા પછી રાવશ્રી ખેંગારજીએ સંતાનસુખનો સાક્ષાત્કાર કર્યો, એટલે કે, તેની સૌભાગ્યવતી રાણીએ એક પુત્રને જન્મ આપ્યો અને તે પુત્રનું નામ ભોજરાજજી રાખવામાં આવ્યું. ભોજરાજજી બંધુના યોગ સહિત જન્મેલો હોવાથી ખેંગારજીની રાણીએ ભોજરાજના જન્મ પછી ત્રણેક વર્ષે દ્વિતીય પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ભારમલ્લજી રાખવામાં આવ્યું. રાજસત્તા, રાજવૈભવ, સંપતિ તથા સંતતિ આદિ સર્વ સુખોની એકસમયાવચ્છેદે પ્રાપ્તિ થવાથી પરમેશ્વરનો ઉપકાર માનીને પોતાને અત્યંત ભાગ્યશાળી ધારી એ રાજદંપતી આનંદ તથા હર્ષસહિત પોતાનો સમય વીતાડવા લાગ્યાં અને 'સર્વને પ્રભુ એવા સુખનો સમય દેખાડે!' એવા ઉદ્ગારો કાઢીને સર્વનું કલ્યાણ ઈચ્છવા લાગ્યાં.
પ્રિય પાઠક તથા પાઠિકાઓ, આપણું સુખાન્ત કિંવા સંયોગાન્ત નવલકથાની આ સ્થળે સમાપ્તિ થાય છે; પરંતુ રાવશ્રી ૧ લા ખેંગારજીના જીવનના અંતિમ ભાગમાંની કેટલીક ઘટનાઓ પણ જાણવાયોગ્ય હોવાથી તેમનો ઉલ્લેખ કરવાની પણ આવશ્યકતા છે અને તે ઉલ્લેખ ઉપસંહારમાં સંક્ષિપ્ત રૂપથી કરાયલો છે; કારણ કે, પ્રસ્તુત પરિચ્છેદમાં જો તે ઉલ્લેખ કરવામાં આવે, તો શિષ્ટાચારનો તેથી ભંગ થાય, એવો સંભવ છે. રાવશ્રી ખેંગારજી ૧ લાના સચ્ચારિત્ર્ય અને સંયમ આદિ ગુણોનો પણ ઉપસંહારમાં જ આપણે યોગ્ય વિચાર કરીશું. અત્યારે તો અમારો સર્વને એ જ આશીર્વાદ છે કે, સર્વજનો સુખી થાઓ, નિરામય થાઓ અને કોઈને પણ દુઃખની પ્રાપ્તિ ન થાઓ!